(એ) ફરિયાદ -
ગુનાના બે પ્રકાર હોય છે.
(૧) કોગ્નિઝેબલ ગુનો-
પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.
(ર) નોન-કોગ્નિઝેબલ ગુનો-
જે ગુનાના આરોપીને પોલીસ કોર્ટની પરવાનગી (વોરંટ) વગર પકડી શકતી નથી તેવા ગુનાને નોન-કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે.
(૧) કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીને લેખીત કે મૌખિક રીતે આપી શકાય છે. મૌખિક ફરિયાદ એ જ વખતે લખીને ફરિયાદીને વાંચી સંભળાવી તેઓની સહી લઈ તેની નકલ ફરિયાદીને વિનામૂલ્યે આપવામાં આવે છે. આવી ફરિયાદ ટપાલ મારફતે પણ મોકલી શકાય છે. આઉટ પોસ્ટમાં પણ આ રીતે ફરિયાદ કરી શકાય છે.
(ર) નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી શકાય છે. જેની નોંધ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ રજિસ્ટરમાં કરવામાં આવે છે. ગુનો નોંધવામાં આવતો નથી. આવી ફરિયાદની તપાસ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ કરવામાં આવે છે.
-
દરેક કોગ્નિઝેબલ ગુનાની તપાસની શરૂઆત એફ.આઈ.આર.થી થાય છે.
-
ફરિયાદ ખાસ કરી ભોગ બનનાર અથવા બનાવ વખતે ત્યાં હાજર હોય તેની અથવા ભોગ બનનારનાં સગાં, સંબંધી, મિત્ર કે જે બનાવ વિશે જાણતા હોય તેણે કરવી જોઈએ.
-
ઘણા કિસ્સામાં બિનવારસી લાશ મળે અને તે ગુનાહિત મૃત્યુ હોવાનું ફલિત થાય અને બનાવ અંગે કોઈ ફરિયાદી હાજર ન મળે તેવા સંજોગોમાં પોલીસ ફરિયાદી બને છે.
-
ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ.ને અગર બનાવ સ્થળે હાજર પોલીસ અધિકારીની સમક્ષ કરી શકાય છે.
ફરિયાદીએ ઘ્યાન આપવાની વિગત-
-
બનાવ બન્યા બાદ તરત જ નજીકના પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ આપવી જોઈએ.
-
ફરિયાદમાં બનાવનું કારણ અને હેતુ જણાવવાં.
-
બનાવ અંગે સત્ય હકીકત જ જણાવવી અને બનાવસ્થળે હાજર સાક્ષીઓની જાણકારી હોય તો તેની વિગત અવશ્ય જણાવવી.
-
બનાવવાળી જગ્યાએ પોલીસ તપાસમાં આવે ત્યાં સુધી જે તે હાલતમાં જાળવી રાખવી.
-
ફરિયાદીએ કરેલ ફરિયાદની વિગત વાંચી, વંચાવી સહી કરવી અને તેની નકલ વિનામૂલ્યે મેળવી લેવી.
-
ફરિયાદીએ જાણી જોઈ ખોટી ફરિયાદ કરી હોવાનું તપાસ દરમિયાન જણાય ત્યારે પોલીસ બી, ફાઇનલ ભરી ફરિયાદી વિરૂદ્ધમાં કોર્ટની પગલાં લેવાની કાર્યવાહી કરી શકે છે.
(બી) તપાસ -
-
કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ અધિકારી દ્વારા તે ગુનાની તપાસ તરત કરવામાં આવે છે. બનાવવાળી જગ્યાએ જઈ તેનું પંચનામું કરી શાહેદોનાં નિવેદનો લેવાં અને જરૂરત જણાયે ફોરેન્સિક એક્સપર્ટની મદદ પણ લેવામાં આવે અને આરોપી વિરૂદ્ધ પૂરતો પૂરાવો તપાસ દરમિયાન જણાય પછી તે કામે ઇન્સાફ કરવા ચાર્જશીટ કરી કોર્ટમાં મોકલવામાં આવે છે.
-
આવા ગુનાના કામે તપાસ દરમિયાન પૂરતા પૂરાવા ન મળે અથવા આરોપી શોધી શકાય નહીં કે ફરિયાદ ખોટી હોવાનું જણાય, ફરિયાદ દીવાની પ્રકારની જણાય અથવા પોલીસ અધિકાર બહારની જણાય તેવા સંજોગોમાં તપાસ કરનાર અધિકારી તરફથી નીચેની વિગતે જુદી જુદી સમરી માગવામાં આવે છે.
-
વર્ગ અ સમરી-નજીકના ભવિષ્યમાં આરોપી મળવાની શક્યતા ન હોવાનું જણાય ત્યારે.
-
વર્ગ બી સમરી-ફરિયાદ ખોટી હોવાનું જણાય ત્યારે.
-
વર્ગ સી સમરી -હકીકતની ભૂલના કારણે ફરિયાદ થયેલી હોવાનું ફલિત થાય અથવા તપાસના અંતે ફરિયાદની વિગત દીવાની પ્રકારની હોવાનું જણાય ત્યારે.
-
વર્ગ એન.સી. સમરી -તપાસના અંતે પોલીસ અધિકાર બહારનો ગુનો હોવાનું જણાઇ આવે ત્યારે.
-
ગુનો દાખલ થયા બાદ ૧૪ દિવસ સુધીમાં ગુનાની તપાસ પૂર્ણ કરવાની હોય છે, પરંતુ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ ન થાય તેવા સંજોગોમાં ઉપરી અધિકારીશ્રીની મંજૂરી મેળવી મુદતમાં વધારો કરી તપાસ ચાલુ રાખવામાં આવે છે.
-
સી.આર.પી.સી.કલમ-૪૧(ર) હેઠળ પોલીસ વગર વોરંટે પકડવાનો અધિકાર ધરાવે છે. તેવી જ રીતે,
-
કોગ્નિઝેબલ ગુના અટકાવવા સી.આર.પી.સી.કલમ, ૧પ૧ હેઠળ વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા છે.
-
નામદાર કોર્ટે ઇશ્યુ કરેલ ધરપકડ વોરંટના આધારે પોલીસ તે વ્યક્તિની અટકાયત કરી શકે છે. જે વોરંટ જામીનપાત્ર હોય તો શરતોને આધીન રહી તેવી વ્યક્તિને જામીનમુક્ત થવાનો અધિકાર છે. જ્યારે બિનજામીનલાયક વોરંટ અન્વયે ધરપકડ થયેલી વ્યક્તિને ર૪ કલાકની અંદર વોરંટ ઇશ્યુ કરનાર કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહે છે. તેવી જ રીતે વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને પણ ર૪ કલાકની અંદર જે તે હકૂમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે. તપાસ અર્થે આરોપીની પોલીસ કસ્ટડીમાં વધુ સમય માટે જરૂરત જણાય તેવા સંજોગોમાં કોર્ટની પરવાનગી (રિમાન્ડ) મેળવી શકાય છે.
-
ગુનો જામીનલાયક હોય તો પકડાયેલા આરોપીને યોગ્ય જામીન રજૂ કરવાથી જામીન પર મુક્ત કરવામાં આવશે.
-
નામદાર કોર્ટે આપેલી સૂચના મૂજબ કોઈ પણ વ્યક્તિને અટક કરવામાં આવે ત્યારે તેને શા માટે પકડવામાં આવી છે તેની જાણ કરી અટક મેમોમાં તેની સહી લેવી અને પકડાયેલ વ્યક્તિનાં સગાં, સંબંધીને તાત્કાલિક ધરપકડ બાબતે જાણ કરવી. પકડાયેલી વ્યક્તિઓના નામ અત્રેના કન્ટ્રોલરૂમે રાખવામાં આવે છે. રિમાન્ડ દરમિયાન દર ૪૮ કલાકે અટકાયતીની ફરજિયાત મેડિકલ તપાસણી તપાસ કરનારે કરાવવી અને રિમાન્ડ દરમિયાન અટકાયતીને કોર્ટની પરવાનગી પછી જ હાથકડી, રસ્સી પહેરાવી, બાંધી શકાય છે.
જડતી-
-
સી.આર.પી.સી. ના પ્રકરણ ૭માં જડતી અંગેની સત્તા આપવામાં આવી છે. જડતીની જોગવાઇ કલમ ૯૩થી ૧૦રમાં આપવામાં આવી છે. તે મૂજબ વોરંટથી કે ઠરાવથી જડતી કરી શકાય છે.
-
મહીલા આરોપીની અંગ જડતી મહીલા પોલીસ પાસે જ કરાવવી અને આ મહીલા આરોપીનો અધિકાર છે.
મુદ્દામાલ કબજે લેવા અંગે -
-
કેટલાક ગુનાઓમાં ગુનાવાળી જગ્યાએથી તેમ જ મિલ્કત વિરૂદ્ધના ગુનામાં ગયેલો મુદ્દામાલ કબજે લેવાની સત્તા પોલીસ ધરાવે છે. કબજે લેવાયેલા મુદ્દામાલની પાવતીમાં નોંધ કરી તેની એક નકલ જેની પાસેથી મુદ્દામાલ કબજે લીધો હોય તેની આપવી.
અરજીની તપાસ-
-
અત્રે જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીમાં અરજી શાખા જિલ્લા પોલીસ અધીક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
-
અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશન,પોલીસચોકી, આઉટ પોસ્ટમાં અથવા ઉપરી અધિકારીશ્રીને આપી શકે છે.
-
અરજીની તપાસ સબબ અરજદારને અસંતોષ હોય તો નાયબ પોલીસ અધિકારીશ્રી અથવા જિલ્લા પોલીસ અધિકારીશ્રીને મળી રજૂઆત કરી શકે છે.
-
સામાન્ય રીતે અરજી દિન ૧૪માં પૂર્ણ કરી નાખવાની હોય છે અને તપાસ માટે વધુ સમયની જરૂરીયાત હોય તો ઉપરી અધિકારીની તપાસ કરનારે પરવાનગી લેવાની રહે છે. દરેક પ્રકારની અરજી અરજી શાખા મારફતે તપાસાર્થે મોકલવામાં આવે છે અને તેના આખરી નિકાલની જાણ અરજદારને કરવામાં આવે છે.
હથિયાર પરવાના અરજી બાબત-
-
હથિયાર પરવાના અરજી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી આવે છે. જે અરજી અન્વયે અત્રે પત્રવ્યવહાર શાખા ટેબલ ઉપરથી કાર્યવાહી કરવામાં આવે છે અને આવી અરજીનો નિકાલ કરવા અન્વયે ગુજરાત સરકારના ગૃહવિભાગ તરફથી પરિપત્ર નં.હપચ/૧૦૭૭/૩૮/૧ર, સ/ તા.૧૪/૧૦/૧૯૭૮થી સૂચના થયા મૂજબની સમયહરોળ દૂર કરવા સૂચન થઈ આવે છે.
-
હથિયાર પરવાના અરજીની પોલીસ તપાસ કરવાના સમયની મર્યાદા ૩૦ દિવસની મુકરર થઈ આવેલ છે.
કેદીને હાથકડી, બેડી પહેરાવવા બાબત-
-
કોઈ પણ કાચા કે પાકા કામના કેદીઓને કોર્ટમાં કે જેલમાં લઈ જતી, લાવતી વખતે કયા સંજોગોમાં કેદીને હાથકડી કે બેડી પહેરાવવી તે અંગેના સ્પષ્ટ નિયમો છે. કોર્ટના સ્પષ્ટ આદેશો સિવાય કેદીને હાથકડી પહેરાવવામાં આવતી નથી. તેમ છતાં જ્યારે પોલીસ અધિકારીને (એસ્કોર્ટ અધિકારીને) જણાય કે કેદી તોફાન કરે કે નાસી જવાનો પ્રયાસ કરે તેવો છે અને કોર્ટથી હાથકડી પહેરાવવા માટેના આદેશો તાત્કાલિક મેળવી શકાય તેમ નથી ત્યારે વિવેકબુદ્ધિ વાપરી હાથકડી પહેરાવી શકે છે અને આવા કિસ્સાઓમાં તેમણે કરેલી કાર્યવાહી અંગે સ્પષ્ટ કારણો નોંધી ન્યાયાધીશની મંજૂરી લેવાની રહેશે.
-
આ અંગેનો પરિપત્ર અત્રેના તમામ થાણા અધિકારીને પાઠવવામાં આવ્યો છે અને પરિપત્રમાં જણાવેલી સૂચનાનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે.
ગામના સરપંચની ફરજો -
-
ગામમાં દીવાની કે ફોજદારી ગુનો બને તેવા બનાવોની જાણ તરત જ પોલીસ સ્ટેશને કરવી જોઈએ.
-
ગામમાં કોઈ વ્યક્તિ અકુદરતી અથવા અકસ્માતથી મૃત્યુ પામે અથવા ગામમાં શબ મળી આવે ત્યારે આઉટ પોસ્ટ અથવા પોલીસચોકી અગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.
-
ભુગર્ભમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તેની જાણ પણ પોલીસને કરવી જોઈએ.
-
ગામમાં બે કોમો વચ્ચે કોઈ કારણોસર મનદુઃખ થયેલું હોય તો તેની પણ જાણ કરવી જોઈએ.
-
ગામમાં અનું.જાતિ/અનું.જન જાતિના લોકો સમાજમાં એકસમાન તક સાથે જીવી શકે તે માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી તેઓ પર અત્યાચાર ન થાય કે તેઓની સાથે આભડછેટ ન રાખવામાં આવે તેની કાળજી રાખવી.
લાંચરુશવત બાબતે ફરિયાદ -
-
કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચરુશવતની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરૂદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચરુશવત વિરોધી ખાતાની રચના કરી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે આવેલ છે. જેમાં નાયબ પોલીસ અધિકારીશ્રીની કક્ષા ના તથા પોલીસ ઈન્સપેકટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈપણ ખાતાના કર્મચારી વિરૂદ્ધની લાંચરુશવત સંબંધી ફરિયાદ તેઓની પાસે કરી શકાય છે.
-
લાંચરુશવતની ફરિયાદ કોઈ પણ નાયબ પોલીસ અધિકારી અથવા તેનાથી ઉપરના દરજ્જાના અધીક્ષક પાસે પણ થઈ શકે છે.
ફોન નંબર -
-
અમદાવાદ, એ.સી.બી. ઓફિસ - ર૮૬૯રર૩,ર૮૬૯રર૪
-
અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર એ.સી.બી. ઓફિસ - ૨૩૨૬૧૩૭૩
-
રાજકોટ શહેર, એ.સી.બી. ઓફિસ - રર૪૬પપ,ર૩પ૦૯૯,રર૩૪૯૭
-
જામનગર શહેર, એ.સી.બી. ઓફિસ - રપપ૧૧૭પ
-
મહેસાણા એ.સી.બી. ઓફિસ - ૦૨૭૬૨-૨૨૧૨૨૦
-
પાલનપુર એ.સી.બી. ઓફિસ - ૦૨૭૪૨-૨૫૨૦૦૫
-
હિંમતનગર એ.સી.બી. ઓફિસ - ૦૨૭૭૨-૨૪૦૬૫૭
-
ભૂજ એ.સી.બી. ઓફિસ - ફે-૦૨૮૩૨-૨૫૦૨૫૪
-
સુરેન્દ્રનગર એ.સી.બી. ઓફિસ - ફે-૦૨૭૫૨-૨૮૩૫૫૦
-
જૂનાગઢ એ.સી.બી. ઓફિસ - ૦૨૮૫-૨૬૫૧૩૫૨
-
ભાવનગર એ.સી.બી. ઓફિસ - ૦૨૭૮-૨૪૨૦૯૮૦
-
અમરેલી એ.સી.બી. ઓફિસ - ૦૨૭૯૨-૨૨૨3૦૮
-
વડોદરા એ.સી.બી. ઓફિસ - ૦૨૬૫-૨૪૨3૮૫૦૦
-
નડિયાદ એ.સી.બી. ઓફિસ - ૦૨૬૮-૨૫૫૦૦૫૮
-
ગોધરા એ.સી.બી. ઓફિસ - ૦૨૬૭૨-૨૪૨૮૧૪
-
સુરત એ.સી.બી. ઓફિસ - ૦૨૬૧-૨૪૬૨૭૫૭
-
વલસાડ એ.સી.બી. ઓફિસ - ૦૨૬3૨-૨૫3૧૫૫
-
ભરૂચ એ.સી.બી. ઓફિસ - ૦૨૬૪૨-૨૪૧૬૧૧૧
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો