સોમવાર, 6 ફેબ્રુઆરી, 2012

સૌરાષ્ટ્ર દર્શન.

સૌરાષ્ટ્ર દર્શન

સૌરાષ્ટ્ર દર્શન

સાળંગપુર



અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ,.
કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે.


સાસણગીર -

વિશ્વમાં ફક્ત બે સ્થળોએ સિંહોની વસ્તી શેષ રહી છે. આફ્રિકા પછી ગુજરાતમાં ગીર એક એવું સ્થળ છે જ્યાં સિંહો વસે છે. ગીરના અભયારણ્ય માં ર્નિભય પણે વિચરતા સિંહોને તેમના જ કુદરતી નિવાસમાં જોવા તે પણ એક અનેરો સાહસિક આનંદ છે. ગીરના અભયારણ્યમાં માત્ર સિંહો જ નહીં પરંતું કાળિયાર, શિયાળ, નીલગાય, ચિત્તા, જંગલી વાંદરા, ચાર શિંગડા વાળા હરણ તથા વિવિધ પક્ષીઓ અહી જોવા મળે છે.
ગીરનાં અભયારણ્યમાં આ તમામ પ્રાણી અને પક્ષી જગતને નજીકથી જોવા માટે વન્યસંરક્ષકો ગાડીમાં ફેરવે છે. જો કે ગીર એક પક્ષી અભયારણ્ય પણ હોવાથી દુર્લભ પ્રજાતીના અનેક પક્ષીઓ પણ જોવા મળે છે. ગીરનાં અભયારણ્યમાં પ્રવાસ માટેનો શ્રેષ્ઠ સમય શિયાળાની ઋતુ, ઓક્ટોબર તથા જૂન નો મધ્યનો સમયગાળો ગણવામાં આવે છે. બસ દ્રારા ગીર જવા માટે અમદાવાદ, રાજકોટ તથા જૂનાગઢથી જઇ શકાય છે. રેલવે દ્રારા પર અમદાવાદથી જઇ શકાય છે. આ ઉપરાંત કેશોદનું હવાઇ મથક સૌથી નજીક છે.
ગુજરાતમાં નાના-મોટા લગભગ પચ્ચીસ જેટલા અભયારણો આવેલા છે. ગીર ઉપરાંત જામનગર પાસે આવેલો મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય, સુરેન્દ્રનગરમાં આવેલું ઘુડખરનું અભયારણ્ય,કચ્છમાં આવેલું સુરખાબનગર અભયારણ્ય, જામનગરમાં આવેલું સામુદ્રિક ઉદ્યાન અને પક્ષી અભયારણ્ય, નળ સરોવર અને થોળનું પક્ષી અભયારણ્ય મુખ્ય છે.

દ્વારકા.

ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઉંચી જગ્યાએ પોતાના પૂર્વજોને નામે સાત મંદિરો સ્થાપ્યા. જેમાંના એકની અંદર ઈસુની પહેલી સદી દરમિયાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિની સ્થાપના થઈ. તેની પર સમુદ્રના પાણી ફરી વળતાં તે મંદિર પર ચોથી સદીમાં અને ત્યાર બાદ આઠમી સદીમાં શ્રીકૃષ્ણનું મંદિર સ્થપાયું હતું. હાલમાં ગોમતી તટે ચાલીસ મીટર ઉંચા, સાત ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ એક મીટર ઉંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે. અહીંયા મંદિરની ધજાને દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. એક હજાર કરતાં વધારે વર્ષ પહેલાં સ્થપાયેલ આ પવિત્ર મંદિરનાં દર્શનાર્થે દેશના ચારે ખુણેથી યાત્રાળુઓ આવે છે. મુખ્ય મંદિરની આસપાસએવી જ શૈલીના અન્ય મંદિરોમાં (1) અનિરુધ્ધજી, (2) પુરૂષોત્તમજી, (3) દેવકીજી, (4) વેણીમાધવ, (5) બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે..



સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાતાં મુખ્ય મંદિરનાં બે દ્વારો પૈકીના પ્રથમ દ્વારથી ગોમતી તરફ ઉતરતાં 56 પગથિયાની સીડીની બંને બાજુએ તેમજ ગોમતીકાંઠે અનેક બીજાં મંદિરો આવેલા છે. જન્માષ્ટમી, દિવાળી, હોળી-ધુળેટીના તહેવારોમાં અહીંયા મેળા ભરાય છે.

દરિયા કિનારા પર બેસીને સુર્યોદય તથા સુર્યાસ્તનુ મનોરમ્ય દ્રશ્ય નિહાળવુ એક લાહવો હોય છે. સપ્તાહના બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને દરિયાની ઉછળતી લહેરોને જોવી આંખોને ઠંડક અને મનને શાંતિ આપે. દરિયા કિનારાના મનમોહક દ્રશ્યો જોવા માટે ગુજરાતીઓને ગોવા, મુંબઈ કે પછી કોઈ પોર્ટબ્લેર જવાની અને મસમોટો ખર્ચ કરવાની જરૂર નથી. ગુજરાતમાં સુંદર અને સૌથી મોટો દરિયા કિનારાવાળો વિસ્તાર છે. તે લગભગ 1600 કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાયેલો છે. રાજ્યમાં બેટ દ્વારકા, ચોરવાડ, કચ્છ, ખંભાત, દીવ-દમણ વગેરે જગ્યાએ ખુબ જ સુંદર દરિયાકિનારા છે.

બેટદ્વારકા

દ્વારકાની પાસે અને નૌકા દ્વારા દરિયાની અંદર થઈને 30 કિલોમીટરની મુસાફરી બાદ પહોચતાં આ સ્થળ ખુબ જ સુંદર છે. અહીં ભગવાન રણછોડરાયનું મંદિર આવેલ છે. આ સ્થળ જામનગરથી 150 કિલોમીટર દૂર છે. બેટ દ્વારકાનો દરિયો પણ ખુબ જ સુંદર હોવાથી તે પણ પ્રાવાસીઓને આકર્ષે છે.

ગુજરાતનો સૌથી ઉંચામાં ઉંચો પર્વત ગિરનાર છે જે જુનાગઢ જીલ્લાની અંદર આવેલ છે. ત્યાં પર્વતોની હારમાળા આવેલ છે. આ હારમાળાની અંદર ગિરનાર સૌથી ઉંચો છે જેની ઉંચાઈ આશરે 3660 ફુટ જેટલી છે. ગિરનાર ચડવા માટે 9,999 પગથિયા બનાવેલ છે અને ગિરનારના મુખ્ય પાંચ પર્વતો છે જેમની પર લગભગ 866 જેટલા મંદિર આવેલ છે.

વળી આ હિંદુ અને જૈન બંને માટે પવિત્ર છે કેમકે બંને ધર્મના મંદિરો આ પર્વત પર આવેલ છે. અહીં ભગવાન નેમિનાથનું મંદિર ખુબ જ પ્રખ્યાત છે જેનું બાંધકામ 1958 પહેલાં થયું હતું. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. ત્યાંથી થોડાક ઉપર ચડતાં અંબાજી માતાનું ખુબ જ સુંદર મંદિર આવેલ છે. ત્યાંથી આગળ મલ્લિનાથ મંદિર આવેલ છે જે વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બંધાવવામાં આવ્યું છે. સૌથી ટોચ પર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીંયા ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ છે.

ગિરનાર

દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતાં લગભગ 5 થી 7 કલાક લાગે છે. આ સિવાય ગિરનારની અંદર ભતૃહરિની ગુફા, સોરઠ મહેલ, સૂર્ય કુંડ, ભીમ કુંડ વગેરે જોવા લાયક સ્થળો છે. અહીંયા એક ગૌમુખી કુંડ પણ આવેલ છે જેની અંદર ઝરણાંમાંથી પાણી આવે છે.

ગિરનાર - ભવનાથનો મેળો

મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એણે જે કંઈ સહન કર્યુ, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યકત કરતો રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવાકે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો ભરાય છે, ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.






ગિરનાર પુરાણો ઈતિહાસ

ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઈતિહાસ છે.

(૧) ભવનાથ મહાદેવ :-
આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદીરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રૂદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રૂદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રૂદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.

જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતી કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પુનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.

(૨) મૃગીકુંડ :- ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતી કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.

ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.




ભવનાથ - મહત્વ અને વર્ણન
ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા સુદ નોમ થી મહા સુદ પુનમ એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વંયમભુ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવનાં મંદીરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ-વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો-મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જુનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ-સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવ્રૂતિ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે.

આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભનો મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે.

ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદીરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે... જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે.

નાગાબાવાનું સરધસ
ભારત વર્ષનાં ઈતિહાસમાં રથયાત્રા, શોભાયાત્રા, ઝુલુસ, સરઘસ જેવા અનેક જગ્યાએ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાતા હોય છે. જેવી રીતે અષાઢ સુદ બીજને દિવસે એટલેકે અષાઢી બીજને દિવસે ઓરિસ્સાનાં પુરી, ગુજરાતનાં અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, તેમજ ભાદરવા સુદ ચોથના દીવસે એટલેકે ગણેશ ચતુર્થી નાં દિવસે મહારાષ્ટ્રનાં મુંબઈશહેરમાં તેમજ દેશનાં અન્ય શહેરોમાં પણ ભગવાન ગણેશની રથયાત્રાનીકળે છે. મહોરમ માસમાં તાજીયાનું ઝુલુસ નીકળે છે. આવીજ રીતે ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.
આ સરઘસ શિવરાત્રીની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદીરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસનાં ભવનાથનાં મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.
આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભુખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જયાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઈન્દ્રીય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદીરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખુબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યાબાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે.
શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે.

સોમનાથ મંદિર




સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ,
ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ.
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ,
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને.
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે,
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે.
એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:,
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય.

જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે.
આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ.

સોમનાથ:-

સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું.

સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે. આને સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પુરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધું હોય છે

સતાધારની જગ્યાનું સ્થળ

સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો ગિરનું જંગલ ત્યાંથી કપાતુ દુર નીકળી ગયુ છે. બારેમાસ વહેતી આંબાઝરના પહોળા સુકા પટમાં પથ્થરા ઊડી રહ્યા છે. એક કાળે ગિરનું જંગલ ઠેઠ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર, શીંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વહેતા હતાં. વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોતતી જગ્યાએ આપાગીગાએ સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતુ. અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ જ છે.

સંતશ્રી આપાગીગા

આપાગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઇ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપાદાનાએ તેનુ નામ લાખુ રાખ્યુ હતુ જેથી તે નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઇ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનુ નામ ગીગો રાખ્યું. મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપાદાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ.આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વરધણીને જેને ઓરતા હતા તે ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપાગીગાનો પ્રાદુર્ભાવ થયો.

આમ આપાગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપાદાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપાવિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયા રાખતા હતા. એક દિવસ આપાવિસામણે આપાદાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો મારો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપાદાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો. ત્યાર બાદ થોળા સમય પછી ગીગાને આપાદાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છુટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે કે મને નોખો થવાનુ કહો છો. ત્યારે આપાદાને હસતા હસતા કહ્યુકે ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભિયાગતોને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.

આમ આપાગીગા પોતાના ગુરૂ આપાદાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરીભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી ૧૦૮ ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ. થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે. આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર ના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારેતરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલુ સદાવ્રત અને અભ્યાગતોનો આદર-સત્કાર એકધારી ચાલી આવે છે.






વીરપુર

વીરપુર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં આવેલું ગામ છે. અહીંથી રાજકોટથી જૂનાગઢ જતા રેલ્વે માર્ગ તેમ જ રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. આ નાનકડું ગામ આજે પૂજનીય સંત શ્રી જલારામ બાપાને કારણે ગુજરાતનું મહત્વનું યાત્રાધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. અહીં જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પેટે કશું પણ લેવામાં આવતું નથી. વળી હવે તો અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવાનું પણ બંધ કરેલ છે. ચોટીલા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ચોટીલા આ તાલુકાનું મુખ્ય મથક છે.
અહીંના ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે

ઘેલા સોમનાથ

સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. તેમજ જસદણથી એક માર્ગ હિંગોળગઢ તરફ ફંટાય છે. આ હિંગોળગઢમાં હરણોનું અભયારણ્ય આવેલું છે. જ્યાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. સૌરાષ્ટ્રનું કુદરતી ધામ હિંગોળગઢ અને શિવધામ ઘેલા સોમનાથ એકબીજાથી નજીકમાં આવેલા છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે.

2 ટિપ્પણીઓ: