ગુરુવાર, 15 માર્ચ, 2012

ભારતીય પાસપોર્ટ


ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના હક્ક અને તેની વ્યવસ્થા
 
ભારતીય નાગરિકને ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના બંધારણમાં હક્ક આપેલ છે. જિલ્લાના નાગરિકો સરળતાથી ભારતીય પાસપોર્ટ મેળવી શકે તે માટે પોલીસ અધિક્ષક કચેરીમાં પાસપોર્ટ કલેક્શન સેન્ટર કાર્યરત છે. જેથી જે નાગરિકો પોતાના ભારતીય પાસપોર્ટ મેળવવા માટેની અરજી અમદાવાદ પાસપોર્ટ કચેરીએ આપવા જઈ શકે તેમ ન હોય તો તેઓની અરજીઓ જિલ્‍લા ખાતે સ્વીકારવામાં આવે છે. આ સિવાય જે નાગરિકો પોતાની પાસપોર્ટ માટેની અરજીઓ અમદાવાદ પાસપોર્ટ કચેરીએ આપવા માગતા હોય તેઓ ત્યાં આપી શકે છે.

જિલ્‍લા ખાતે પાસપોર્ટ કલેક્શન સેન્ટરમાં નવા પાસપોર્ટ માટેની અરજીઓ, રિન્યૂઅલ પાસપોર્ટ માટેની અરજીઓ, નાનાં બાળકો માટેની પાસપોર્ટની અરજીઓ સ્વીકારવામાં આવે છે. જ્યારે જે કિસ્સામાં પાસપોર્ટ ખોવાઈ ગયેલો હોય, નુકસાન થયેલ હોય, તેમ જ અન્ય દેશમાંથી પાસપોર્ટ મેળવેલ હોય તેવી અરજીઓ સ્વીકારવાની સત્તા રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ પાસે હોવાથી આ અરજીઓ ડિસ્‍ટ્રિક્ટ કલેક્શન સેન્ટરે લઈ શકાતી નથી.
 
પાસપોર્ટ અરજી અંગેનાં માર્ગદર્શન
 
૧પ વર્ષ સુધીનાં બાળકોને માઇનોર તરીકે ગણવામાં આવે છે અને તેમના પાસપોર્ટ અરજી માટેની ફી રૂ. ૬૦૦/- રાખવામાં આવેલી છે. જ્યારે ૧પ વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક માટે પાસપોર્ટ માટેની ફી રૂ. ૧૦૦૦/- રાખવામાં આવેલી છે.

પાસપોર્ટ અરજીનું ફોર્મ પોલીસ અધિક્ષક કચેરીના પાસપોર્ટ અરજી કલેકશન સેન્‍ટરેથી અથવા પોસ્ટ ઓફિસ અને ખાનગી એજન્સી મારફતે અથવા પાસપોર્ટ ઓફિસ અમદાવાદથી મેળવવાનું હોય છે. જેની કિંમત સરકારે રૂ. ૧૦/- નક્કી કરેલ છે.
 
ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ કોપી-૩ રજૂ કરવાની હોય છે.
 
 • રહેઠાણના પુરાવામાં રેશનકાર્ડ, છેલ્લાં બે વર્ષના લાઇટ બિલ, ટેલિફોન બિલ, બેન્ક પાસબુક, વેરો ભરવામાં આવતો હોય તેની છેલ્લાં બે વર્ષની પહોંચ રજૂ કરવાની રહે છે.
 • જન્મ અંગેના પુરાવામાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો. તેમ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ.
  જે વ્‍યકિતનો જન્‍મ તા.ર૬-૧-૧૯૮૯ માં કે તે પછીથી થયેલ હોય તો તેઓ ફકત મ્‍યુનીશીપલ ઓથોરીટી અથવા જન્‍મ-મરણ નોધણી રજીસ્‍ટર ધ્‍વારા ઇસ્‍યુ કરેલ બર્થ સર્ટીફીકેટ જ માન્‍ય ગણાશે.
 • લગ્ન કરેલ સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટિફિકેટ અથવા પતિ-પત્નીના જોઇન્ટ ફોટા સાથેની મેરેજ એફિડેવિટ રજૂ કરવાની રહે છે.
 • નાનાં બાળકોના કેસમાં તેઓનાં માતા-પિતા વેલિડ પાસપોર્ટ ધરાવતાં હોય તો તેમના પાસપોર્ટની ઝેરોક્ષ નકલ રજૂ કરવી તેમ જ માઇનોરની એફિડેવિટ તેનાં માતા-પિતાએ રૂ.ર૦/-ના સ્ટેમ્પ ઉપર અંગ્રેજીમાં કરાવી રજૂ કરવાની રહેશે, તેમ જ માતા-પિતાએ તેમના બાળક અંગેનું ડિક્લેરેશન અલગ કાગળમાં આપવાનું રહેશે. (એફિડેવિટનો નમૂનો ફોર્મ-પાછળ અને કરારમાં આપવામાં આવેલ છે).
 • પાસપોર્ટ અરજીની ફી રોકડા રૂપિયામાં સ્વીકારવામાં આવતી નથી, પરંતુ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ ફી લેવામાં આવતી નથી.
 • પાસપોર્ટ અરજી અરજદારે જાતે તેમ જ નાનાં બાળકોના કિસ્સામાં માતા-પિતાએ બાળકોને લઈને આવવાનું રહેશે.
 • પાસપોર્ટ અરજી માટે કોઈ એજન્ટ સાથે લઈને આવવાની જરૂર હોતી નથી કે એજન્ટ રોકવાની જરૂર હોતી નથી.
 • જે અરજદારો પાસપોર્ટ ફોર્મ ભરવા અંગે કોઈ જ્ઞાન ન ધરાવતા હોય તેવા અરજદારોને અત્રેથી વિના મૂલ્યે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.
 • પાસપોર્ટ અરજીઓ રિજિયોનલ પાસપોર્ટ કચેરીની વખતોવખત થતી લેખિત અને મૌખિક સૂચના આધારે લેવામાં આવે છે.
 • અરજદારની અરજી સ્વીકાર્યા પછી જે તે પોલીસ સ્‍ટેશનમાં તપાસણી માટે મોકલવામાં આવતી હોઈ દિન-ર માં તેઓ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધી પોલીસ ઇન્ક્વાયરી પૂર્ણ કરાવવી.
 • પોલીસ ઇન્ક્વાયરી દરમ્‍યાન પોલીસ તપાસ માટેની કોઈ ફી લેવામાં આવતી નથી તેમ જ એજન્ટને સાથે લઈ જવાની જરૂર હોતી નથી. અરજદાર જાતે જ પોલીસ સ્‍ટેશન જઈને અરજીની તપાસ કરાવી શકે છે.
 • પાસપોર્ટ અરજીની તપાસણી પૂર્ણ થયા પછી પોલીસ રિપોર્ટ પોલીસ અધિક્ષક કચેરીની એલ.આઇ.બી. મારફતે ચકાસણી થઈને રિજિયોનલ પાસપોર્ટ કચેરીએ દિન-ર માં મોકલી આપવામાં આવતી હોય છે, જેથી અરજદાર પોતાની અરજીની તપાસ પૂર્ણ થયા પછી પોતાની અરજી અંગેની વધુ માહિતી મેળવી શકે છે. આ સમયે અરજીનો ફાઇલ નંબર તથા અરજી આપ્યા તારીખ જણાવવામાં આવે તો તેઓને માહિતી આપવામાં સરળતા રહે છે.

( આ માહિતી ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ ની પોલીસ મહાનિદેશકની વેબસાઈટ પરથી માહિતીના વધુ વિસ્તાર ના હેતુથી લીધેલ છે. - સાભાર ગૃહ વિભાગ, ગુજરાત સરકાર) 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો