સોમવાર, 4 માર્ચ, 2013

શાળાઓને શીખવે તેવી એક શાળા

શાળાઓને શીખવે તેવી એક શાળા 

Copy of DSC01541
સામાન્યતઃ શાળાનું કાર્ય વિદ્યાર્થીઓને શિખવવાનું છે પરંતુ આજે એક એવી શાળાની વાત કરવી છે કે જે અન્ય અનેક શાળાઓ માટે આદર્શ બની શકે તેમ છે. વાત છે કલોલ ખાતે આવેલી ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ની. ‘શાળા’ શબ્દનું સ્મરણ થાય એટલે આપણા મનમાં એક ટિપિકલ શાળાની છાપ ઉપસી આવતી હોય છે કે જેમાં આગળ રમતનું મોટું મેદાન હોય, લોબીની ચોતરફ ફરતા હૉસ્પિટલના જનરલ-સ્પેશિયલ વોર્ડ જેવા કલાસરૂમ હોય અને એની પાસેથી કડક મુખમુદ્રામાં પસાર થતાં શિક્ષકો હોય ! મારા મનની આ છાપને ભૂંસી નાખી કલોલની આ હોલી ચાઈલ્ડ સ્કૂલે. ક્ષણેક તો એમ પણ થયું કે મારી શાળાનું વાતાવરણ પણ આવું હોત તો કેવી મજા પડી હોત !
ખેર, અમદાવાદ રીંગરોડથી અડાલજ તરફ આગળ જતાં મહેસાણા હાઈ-વે પર આવેલ કલોલ ગામના પંચવટી વિસ્તારમાં પ્રવેશતાંની સાથે ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’નું બોર્ડ નજરે ચઢે છે. ચારે તરફ ઊંચા એપાર્ટમેન્ટો, સોસાયટીઓ વચ્ચેથી પસાર થતાં કદાચ એમ લાગે કે આ જગ્યા તે વળી કઈ સ્કૂલ હશે ? પરંતુ તમે એક વાર શાળાના પરિસરમાં દાખલ થાઓ એટલે આખો માહોલ બદલાઈ જાય. ત્યાં પગ મૂકતાંની સાથે તમને એવો અહેસાસ જરૂર થાય કે, ‘યહાં પે કુછ બાત હૈ…..’
આ શાળા કંઈક ખાસ બની છે મેનેજિંગ ટ્રસ્ટીથી લઈને પ્યૂન સુધીના સૌ કોઈના ભરચક પ્રયાસોથી. પાઠ્યપુસ્તકના બે પૂઠાંઓ વચ્ચેથી બહાર નીકળીને વિદ્યાર્થીઓને જીવનલક્ષી કેળવણી આપવાનો ભાવ અહીંના દરેક સંચાલકોમાં દેખાય છે. એ સુદીર્ઘ દષ્ટિના પરિણામે જ શાળાના પરિસરમાં પ્રવેશતાં ટાગોર, ગાંધીજી જેવા મહાપુરુષોના ચૂંટેલા સુવાક્યો નજરે પડે છે. પરિસરમાં નાનકડો સરસ મજાનો બગીચો છે. મા સરસ્વતીનું મંદિર છે. પ્રત્યેક વસંત પંચમીના દિવસે ગામમાંથી વિશેષરૂપે પૂજારીશ્રીને બોલાવીને સરસ્વતી માતાનું પૂજન વિદ્યાર્થીઓની હાજરીમાં કરાવવામાં આવે છે જેથી શાળાના વિદ્યાર્થીઓ આપોઆપ આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને ઝીલતા થાય. આ દિવસે વિદ્યાર્થીઓ સ્તોત્રગાન કરે છે. શાળાનો કોઈપણ કાર્યક્રમ એવો નથી કે જેમાં સંચાલકો શિક્ષકોને માથે બધું નાખીને પોતાની કેબિનમાં ચાલ્યા જતા હોય ! નાના-મોટા કોઈ પણ કાર્યક્રમમાં ટ્રસ્ટીગણથી લઈને શિક્ષક સૌથી સૌ કોઈ રસપૂર્વક ભાગ લે છે. તેમને માટે આ કાર્ય બોજ નથી અને કદાચ એટલે જ એમાં આત્મીયતાની સુગંધ વર્તાય છે. બાળકની નાનામાં નાની વાત અહીં ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે છે. શિક્ષક સાથે તે આત્મીયતાથી જોડાય છે. ઓછા પગારમાં બોજ વેંઢારતા હોય એવી રીતનું શિક્ષણ આજે જ્યાં ને ત્યાં મહાનગરોમાં નજરે ચઢે છે ત્યારે, આ શાળા પાસેથી અન્ય કેટલીયે શાળાઓએ કેળવણી કોને કહેવાય તે શીખવા જેવું છે !
DSC02463
એક અગત્યની બાબત એ પણ છે કે વિદ્યાર્થીને પોતાની શાળા શું છે એની બરાબર જાણકારી હોવી જોઈએ. મોટે ભાગે તો શાળાના કડક નિયમોને જ લોકો શાળાનું ગૌરવ માની બેસે છે ! જેમ નિયમો કડક એમ શાળા ઉત્તમ !…. આવો એક ભ્રમ ચાલ્યા જ કરે છે. મહાનગરોની શાળાઓમાં તો પ્રવેશતાંની સાથે જ સામે 25-30 નિયમોનું લાંબુ લચ્ચક લીસ્ટ નજરે ચઢે છે. ‘હોલી ચાઈલ્ડ સ્કૂલે’ આ બાબતે જુદો જ અભિગમ અપનાવ્યો છે. ધારો કે કોઈ નવું બાળક આ સ્કૂલમાં પ્રવેશે તો સૌથી પહેલાં તેની નજર પડે છે અહીંની જુદી જુદી પ્રવૃત્તિઓની માહિતી પર. આ શાળામાં થયેલા સમારંભો, આમંત્રિત મહેમાનો અને અનેક સાહિત્યકારો સાથે યોજાયેલી ગોષ્ઠિઓની વિગત સૌથી પહેલી દેખાય છે. અહીં આ કાર્યક્રમોના ફોટૉગ્રાફ્સ લેમિનેટ કરીને મૂકવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થી આપોઆપ પોતાની શાળા માટે ગૌરવનો અનુભવ થાય. સામાન્ય શાળાઓમાં એક કાચનું શૉ-કેસ હોય છે જેમાં ભાત-ભાતની નોટિસો લગાવવામાં આવી હોય છે. આ શાળાએ એમાં પણ સુધારો કર્યો છે. અહીં શૉ-કેસ છે પરંતુ એમાં છે લેટેસ્ટ પ્રકાશિત થયેલા ગુજરાતી પુસ્તકોની નકલો ! વાહ ભાઈ વાહ ! કોર્સવર્ડ બુકશૉપની જેમ તમને અહીં તાજા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી મળી રહે છે અને તે પણ બહાર લૉબીમાં હરતાં-ફરતાં ! હવે તમે જ કહો માતૃભાષાના સંવર્ધન માટે આનાથી વધુ સુંદર ઉપાય કયો હોઈ શકે ?
DSC_0018
DSCF8336
‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’માં શિક્ષણ સાથે જીવનલક્ષી કેળવણીને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. આ માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હરીશભાઈ, ગુજરાતી વિભાગના આચાર્યા હેતલબેન, અંગ્રેજી વિભાગના આચાર્યા સંગીતાબેન અને સૌ શિક્ષકો સતત કાર્યરત રહે છે. એમની પાસે એક વિઝન છે, અને તેથી જ અહીં ઈતર વાંચનને આટલી અગત્યતા આપવામાં આવે છે. સર્જકોને આમંત્રિત કરીને વિદ્યાર્થીઓના આંતરિક રસને ખીલવવામાં આવે છે. અહીં ડિસેમ્બર માસ દરમિયાન પ્રતિવર્ષ ‘વિચાર સંધ્યા’ નામનો કાર્યક્રમ યોજાય છે; જેમાં આપણી ભાષાના મહાન સાહિત્યકારો, કવિઓ, સર્જકોને વિશેષ આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે. આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નથી રહેતો. તે વાલીમિત્રો તેમજ સૌ નગરજનો માટે ‘ઑપન-ફોર-ઑલ’ પ્રકારનો હોય છે. શ્રી જયભાઈ વસાવડા, શ્રી ગુણવંતભાઈ શાહ, શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની, શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી જેવા અનેક આદરણીય સાહિત્યકારોના વક્તવ્યોનો લાભ સૌને આ ‘વિચારસંધ્યા’ કાર્યક્રમ હેઠળ મળ્યો છે.
DSCF8358
પુસ્તક વાંચન, પ્રચાર-પ્રસાર માટે આ શાળાનું એક બીજું સામાજિક યોગદાન છે, જે મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે – અને તે છે ‘બુક કોર્નર’. આ ‘બુક કોર્નર’ એટલે ઉત્તમ પુસ્તકો રાહતદરે ખરીદવા માટેનું શ્રેષ્ઠ સ્થળ. લોકોને વાંચન વિશે જાગૃત કર્યા બાદ તેઓને પોતાના રસના વિષયના પુસ્તકો તો મળવા જોઈએ ને ? બીજને ખાતર-પાણી મળે તો એ વિકસે. આ ‘બુક કોર્નર’ સૌ કોઈના વિકાસ માટે કાર્ય કરે છે. તે વિદ્યાર્થીઓથી લઈને સૌ ગામના લોકો માટે છે. કદાચ મહાનગરમાં ન મળે એવા પુસ્તકો અહીં મળી જાય તો નવાઈ નહીં ! આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં એક સંસ્કાર દ્રઢ થયો છે કે તેઓ પોતાના પોકેટમનીમાંથી કોઈક સારું પુસ્તક ખરીદવાનો આગ્રહ રાખે છે. એક લે છે એનું જોઈને બીજો વિદ્યાર્થી લે છે. આ રીતે અંદર અંદર વાંચવાની સ્પર્ધા ઊભી થાય છે. પોતે વંચાઈ ગયેલા પુસ્તકો વિદ્યાર્થી એકમેકને આપે છે. માત્ર એટલું જ નહિ, મિત્રોના જન્મદિવસે પણ તેઓ તેમને પુસ્તક ગીફટમાં આપવાનો આગ્રહ રાખે છે. આ ‘બુક કોર્નર’નું એક વધારાનું એકસ્ટેન્શન છે ‘પુસ્તક મેળો.’ દર વર્ષે બે દિવસ દરમિયાન અહીં પુસ્તક મેળો યોજાય છે અને તેમાં આશરે દોઢથી બે લાખના પુસ્તકો રાહતદરે વેચાય છે. પુસ્તકમેળાનું ઉદ્દઘાટન કોઈ આદરણીય સાહિત્યકારના હસ્તે થાય છે અને ફરી એકવાર નગરજનો આ રીતે વાંચન સાથે કનેક્ટ થાય છે. માત્ર વિદ્યાર્થીમાં જ નહિ, સમાજમાં પણ એક શાળા ધારે તો કેવા પરિવર્તન લાવી શકે છે એ તમને અહીં જોઈને જ સમજાય.
શાળાના ‘સંપર્ક’ નામના મુખપત્રથી તો આપણે પરીચિત છીએ જ કારણ કે તેમના આ ‘સંપર્ક’ સામાયિકમાંથી ઘણા મનનીય લેખો અહીં રીડગુજરાતી પર પ્રકાશિત થયા છે. આ ‘સંપર્ક’ સૌ વિદ્યાર્થીમિત્રોના ઘર સુધી પહોંચે છે. એક સાહિત્યિક સામાયિકનો દરજ્જો આપણે આપી શકીએ તે પ્રકારનું આ સામાયિક છે. આડકતરી રીતે તે બાળકને લખવા માટે પણ પ્રેરિત કરે છે કારણ કે દરેક બાળકમાં એવી ઈચ્છા ઉદ્દભવે છે કે હું પણ મારી સ્કૂલના સામાયિક માટે કંઈક લખું.
અગાઉ જણાવ્યું એમ અહીં વસંત પંચમીના દિવસે ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાય છે. આ કાર્યક્રમને ‘Initiation Function’ એવું નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વિદાય નથી આપવાની પરંતુ એક નવા પથ પર આગળ વધવા માટેની એક શુભ શરૂઆત કરવાની છે. આ હેતુથી તમામ વિદ્યાર્થીઓને એક પ્રમાણપત્ર અને સુંદર ભેટ પુસ્તક આપવામાં આવે છે. વિદાય પણ પુસ્તક વડે જ ! કેવી સુંદર વાત !
મારે આ ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જવાનું થયું ત્યારે મનમાં એમ થતું હતું કે હું એ લોકોને શું કહું ? સાહિત્ય કે વાંચનની વાત ગંભીરતાપૂર્વક કરું તો એ લોકો સમજી શકશે ખરા ? બહુધા તો મેં જોયું છે કે આવા સમારંભો ચંચળ બાળકો માટે મજાકનું સાધન જ બનતા હોય છે. વક્તાને જે બોલવું હોય તે બોલ્યા કરે અને બાળકો એમની ધમાલમાં મસ્ત હોય ! ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’માં મારો આ ભ્રમ પણ ભાંગી ગયો કારણે જ્યારે હું સ્ટેજ પર પહોંચ્યો ત્યારે આખો માહોલ જ જુદો હતો. બધા જ વિદ્યાર્થીઓ સહજ રીતે શાંત બેઠા હતા. કોઈ શિસ્તનું દબાણ નહોતું પરંતુ કદાચ તેઓના કાન આ પ્રકારના વક્તાઓને સાંભળીને કેળવાયેલા હતા. આ અગાઉ થયેલા કાર્યક્રમોની આ અસર હતી. મને મનમાં થયું કે આ તો સરસ બેટિંગ પીચ છે !
મેં ધ્યાનપૂર્વક જોયું કે સ્ટેજ પાસેની આગલી હરોળમાં બેઠેલી એક વિદ્યાર્થીની સતત રડી રહી હતી. કદાચ કોઈ તકલીફ હશે, બીમારી હશે, ઘરની કોઈ સ્મસ્યા હશે… પરંતુ ના…. જેમ જેમ શિક્ષકો અને આચાર્યોના વક્તવ્યો અપાતાં ગયાં તેમ તેમ આખો માહોલ વધુ ભાવુક બની ગયો. ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની આંખોમાં મેં આંસુ જોયાં. મેં જોયું કે કન્યાવિદાય વખતે જેમ માતાપિતાનાનું દિલ ભરાઈ આવે તેમ શાળાના શિક્ષકો અને આચાર્યાઓના ગળે ડૂમો બાઝી ગયો હતો. જે વિદ્યાર્થીનીઓ પોતાના કંઈક અનુભવો વ્યક્ત કરવા ઊભી થઈ હતી તે બે-ચાર વાક્યોથી વધુ બોલી શકતી નહોતી. અહીં શબ્દો પર ભાવનો વિજય થયો હતો. મારા માટે આ દ્રશ્ય સાવ નવું હતું. મહાનગરોની શાળાઓમાં તો બધે ‘પ્રોફેશનલ’ એપ્રોચ હોય છે. આટલા રૂપિયા ભર્યા છે તો બે-વાર રિવિઝન કેમ ન કરાવે ? – એવો બિઝનેસ કોન્ટ્રાક્ટ કહેવાતી ઉચ્ચ શાળાઓમાં આજે જોવા મળે છે. એના બદલે પરસ્પર આટલો ભાવ, શુદ્ધ પ્રેમ, આટલી આત્મિયતા ! ધન્ય છે આ શાળાને ! બાળકોની આંખો ભીની હતી કારણ કે તેઓ નાનપણથી ત્યાં મોટા થયા હતાં, એ જ મેદાનમાં રમ્યા હતા, ધમાલ કરી હતી, દોસ્તોની મજાક કરી હતી, ચિત્રો દોર્યા હતા, વાર્તાહરીફાઈમાં ભાગ લીધો હતો…… કેટલું બધું છોડીને આજે જવાનું હતું. શાળાને વિદાય કહીને બહારની દુનિયામાં પગ મૂકવાનો હતો. આજે જગત જ્યારે સંવેદનાવિહીન બનવા જઈ રહ્યું છે ત્યારે સંવેદનાના આવા ભાવસભર દ્રશ્યો દુર્લભ થતા જાય છે. જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે. આ ભાવથી જ મહાનુભાવો પેદા થાય છે. આજે તો શાળાઓને પોતાનું નામ થાય એની પડેલી હોય છે…. હકીકતે શાળા એને કહેવાય જે વિદ્યાર્થીની ચેતનાને ઉજાગર કરે… એ વિકસિત થાય એટલે શાળાનું નામ આપોઆપ રોશન થવાનું જ છે. શાળાઓને પ્રવૃત્તિઓના નામે અન્ય શાળાઓ જોડે સ્પર્ધા કરવાની જરૂર નથી. શાળાનું કામ છે ભાવસેતુ નિર્માણ કરવાનું.
આ ‘Initiation Function’ ના અંતિમ ચરણમાં મારે નાનકડું વક્તવ્ય આપવાનું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓને વાંચન માટે વધુ પ્રેરિત કરવાની ઈચ્છા હતી. જો કે અત્યારે મને એ આખું વક્તવ્ય તો યાદ નથી રહ્યું પરંતુ જે કંઈ સહજ રીતે કહેવાયું તેમાંથી જેટલું સ્મરણમાં છે તે અહીં રજૂ કરીને આ લેખને વિરામ આપું છું.
.
atkalol
આદરણીય શ્રી હરીશભાઈ, હેતલબેન, સંગીતાબેન, સૌ શિક્ષકગણ તેમજ આપ સૌ વિદ્યાર્થીમિત્રો….
જ્યાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ એક બિંદુ પર આવીને ઊભી છે એવો આજનો આ દિવસ છે : ‘વસંત-વેલેન્ટાઈન-ડે’ ! સંસ્કૃતિઓનો કેવો કુંભ રચાયો છે ! ગુપ્તરૂપે સરસ્વતી પણ છે કારણ કે અત્યારે આપણે સૌ સરસ્વતી મંદિરમાં જ બેઠા છીએ.
મિત્રો, મારું કામ તો લખવાનું છે, બોલવાનું નથી. એટલે કે હું કોઈ વક્તા નથી. હું તો સાહિત્ય સાથે રહીને મારી જે વાચનયાત્રા ચાલી તેના અનુભવો આપની સાથે શૅર કરવા આવ્યો છું. મારે મુખ્યત્વે તમારી સાથે બે વાત કરવી છે. એક તો છે વાંચનથી થતા ઘડતરની અને બીજી વાત છે મારી રીડગુજરાતી સાઈટ વિશેની.
મારો સૌથી પહેલો પાયાનો મૂળ પ્રશ્ન એ છે કે તમે વાંચન કોને કહો છો ? વાંચે છે તો સૌ કોઈ. પાંચ ચોપડી ભણે એને પણ વાંચતા તો આવડી જાય છે. તમે બધા પણ પાઠ્યપુસ્તક તો વાંચો જ છો. વડીલો રોજ છાપું વાંચે છે. સમય પસાર કરવા માટે કેટલાક લોકો મનોરંજનના સામાયિકો વાંચે છે. એમ તો અત્ર-તત્ર-સર્વત્ર લોકો કંઈને કંઈ વાંચતા દેખાય છે. દરેકને જે ગમતું હોય એ શોધી લે છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે ‘વાંચો’ એમ શા માટે કહેવું પડે છે ? ‘વાંચે ગુજરાત’નું આયોજન કેમ કરવું પડે છે ? – સવાલ છે ‘વાચન’ શબ્દને બરાબર સમજવાનો. જે જીવનને વિકસિત કરે, પ્રફુલ્લિત કરે, જે ઘડતર કરે, હૂંફ આપે, આંતરિક રીતે આપણને સમૃદ્ધ કરે એવા વાંચન વિશેની મારે વાત કરવી છે. આ વાત પૌષ્ટિક ખોરાક જેવી છે, બાકી ભોજન તો બધા રોજ કરે જ છે ને !
એક વાત ધ્યાન રાખજો, જેને ખરા અર્થમાં વાંચન કહેવાય છે તે તમને સામેથી ક્યારેય મળતું નથી. એને તમારે શોધી કાઢવું પડે છે. મરજીવાની જેમ. તમારામાં એ શોધવાની પ્યાસ હોવી જોઈએ. સલમાન ખાને ગયા અઠવાડિયે શું કર્યું એ તો તમને છાપામાં સામેથી વાંચવા મળી જાય પરંતુ જ્યારે કોઈ આધાર નહોતો ત્યારે જેલમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ ગાંધી-વિનોબા વગેરે કેવી રીતે વર્તયા, એ તો તમારે સામે ચાલીને શોધીને વાંચવું પડશે. ઘડતર કરવું એ ઢાળ ચઢવા જેવું છે. એમાં તમને થોડો શ્રમ પડશે. કદાચ મનોરંજન ન મળે એવું પણ બને. હા, સાથે હું એ વાત પણ કબૂલ કરું છું કે દરેક જણમાં આવી પ્યાસ ન પણ હોય. જરૂરી નથી કે બધા જ લોકો જીવનપ્રેરક લખાણો જ વાંચે. પરંતુ જીવનની કોઈક પળે આપણને એની જરૂરત તો રહે જ છે, એ વાત પણ એટલી જ ચોક્કસ છે.
મારી વ્યક્તિગત વાત કરું તો મને શિષ્ટ સાહિત્યના બે પ્રકારો ખૂબ જ ગમ્યા છે. એક તો મહાપુરુષોના જીવનચરિત્રો અને બીજું સામાન્ય માણસના પ્રેરક પ્રસંગો. હું તમને એટલું જરૂરથી કહેવા માગું છું કે મહાપુરુષોના જીવનચરિત્રો તમે ચોક્કસ વાંચજો પરંતુ તે સાથે આમ આદમીના પ્રેરક પ્રસંગો જો વાંચવા મળે તો શક્ય એટલા વધારે વાંચજો. કારણ કે મહાન માણસોની બાબતમાં તો આપણે એમ કહીને છટકી શકીએ કે એ લોકો તો જન્મથી જ મહાન હતા…. અથવા એમને ફલાણા-ફલાણાનો સાથ મળ્યો હતો વગેરે વગેરે… પણ પ્રસંગ કથા તો શાકભાજીની લારી ચલાવનારની પણ હોઈ શકે, પ્રમાણિક રીક્ષાવાળાની વાત પણ હોઈ શકે. એની સાથે આપણે જલદી કનેક્ટ થઈ શકીએ. આપણે એને જીવનમાં ઉતારી શકીએ અને જીવનનું એ રીતે ઘડતર કરી શકીએ.
વાંચન આખા વિશ્વની બારી આપણી સામે ખોલી આપે છે. ચાહે તમે પુસ્તક વાંચો, ટેબ્લેટ વાંચો કે ફોન પર વાંચો પરંતુ વાંચો એ જરૂરી છે. અને જો પ્રજ્ઞાનો વિકાસ થાય તો શું વાંચવું જોઈએ એ તમે પોતે જ સમજી જશો. વાંચનથી આપણે મહાન માણસો સુધી પહોંચી શકીએ છીએ. એમના જીવનને નજીકથી જોઈ શકીએ છીએ. અહીં સામે અબ્દુલ કલામ સાહેબનો ફોટો છે. આપણા માટે એ શક્ય નથી કે આપણે એમને રોજ મળી શકીએ કે એમને રોજ સાંભળી શકીએ. પરંતુ એમના પુસ્તક દ્વારા તો આપણે આખેઆખા એમના જીવનમાં પ્રવેશી જઈએ છીએ. આ રીતનું વાંચન એ એકલવ્યની સાધના છે. એકાકી સાધના છે. પુસ્તકોનો અભ્યાસ આ રીતે આપણને લોકોના મસ્તક વાંચતા શીખવે છે. એવું વાંચવામાં આવે છે કે અગાઉ લોકો ઋષિ-મુનિ પાસે જતાં ત્યારે તેમને દિવ્યદ્રષ્ટિથી ખબર પડી જતી કે આ વ્યક્તિ શા માટે મારી પાસે આવ્યો છે. હું માનું છું કે વાંચન દ્વારા આ શક્ય છે. આ કોઈ ચમત્કાર નથી. પુસ્તકો આપણને આ કલા શીખવી શકે છે. અમુક અભ્યાસથી તમે સામેની વ્યક્તિનું મન વાંચતા પણ શીખી શકો છો. મારે તો આ અર્થમાં વાંચનની વાત તમારી સાથે કરવી છે.
એ તો સ્પષ્ટ જ છે કે વાંચન કલ્પનાશક્તિને ખીલવે છે. વાંચન વિના એનો વિકાસ શક્ય નથી. ટીવીમાં તો જે કેમેરાએ રેકોર્ડ કરેલું છે એ જ તમારે જોવાનું રહે છે. એમાં તો બંધન છે. એટલા માટે જ કોઈકે રમૂજમાં એમ કહ્યું છે કે ટીવી એ તો આંખોની ચ્યુઈંગમ છે ! થોડો સમય સ્વાદ આવે પછી તો ચેનલો જ ફેરવતા રહેવાનું ! જ્યારે કોઈ પુસ્તકમાં પરીકથા વાંચો એટલે તમારા મનમાં આખો પરીલોક ઊભો થાય છે. આ મનમાં જે કંઈ ઊભું થાય છે એ જ આપણી મૂડી છે, બસ !
હું એ પણ માનું છું કે જીવનમાં કોઈને કોઈ ક્ષણે આપણે સાવ એકલતા મહેસૂસ કરતા હોઈએ છીએ. એ સમયે વાંચન આપણું સાથી બને છે. આપણે કોઈનો સહારો શોધવા જવું નથી પડતું. આપણે જોઈએ છીએ કે આજની સમાજ વ્યવસ્થા જ એવી થઈ છે કે સૌ કોઈ એકલા છે. પરસ્પર હૂંફનો અભાવ છે. દાદા-દાદી વગર બાળકો એકલા છે. માતા-પિતાથી સંતાનો દૂર રહે છે કારણ કે જોબનો પ્રકાર એવો છે. બાળકો માટે માતા-પિતાને સમય નથી કારણ કે કમાવવાની જવાબદારી બહુ મોટી છે. સરવાળે સૌ કોઈ ક્યારેક ને ક્યારેક એકલતા મહેસૂસ કરે છે. મનોરંજનના સાધનો અનેક છે પરંતુ થોડો સમય બાદ એ બધાથી કંટાળી જવાય છે. કશુંક નવું જોઈએ છે, કોઈનો સંગાથ જોઈએ છે, કોઈ સાથે વાત કરવી છે….. આ બધું એક સાથે આપણને વાંચન આપી શકે છે. વાંચનનું વિશ્વ એ આપણું પોતીકું વિશ્વ છે. આપણે આપણી વાંચનસૃષ્ટિના બ્રહ્મા છીએ !
મિત્રો, આજે તમારે શાળામાંથી વિદાય નથી લેવાની… તમારે તો ફક્ત પાઠ્યપુસ્તકના બે પૂઠાં વચ્ચેથી નીકળીને વિશ્વપુસ્તક ભણી ડગલાં માંડવાના છે. અગાઉ તમને અહીંથી કહેવામાં આવ્યું જ છે કે રીડગુજરાતી પર નિયમિત બે લેખો પ્રકાશિત થાય છે, આશરે પાંચેક હજાર લેખોનો સંગ્રહ છે… તેથી જો તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવ તો રીડગુજરાતી વાંચજો… અન્ય ગુજરાતી વેબસાઈટ પણ જોજો અને પુસ્તકને તમારો સાચો સાથી બનાવજો…. તમે સૌ જીવનના દરેક ક્ષેત્રે સફળ થાઓ અને વાંચનપ્રિય બનો એવી મારી શુભેચ્છાઓ છે. અહીંથી તમને જે કેળવણીના પાઠ મળ્યા છે તેને આચરણમાં મૂકીને ખરા અર્થમાં જીવનને સફળ બનાવો તેવી મારી હૃદયની શુભકામનાઓ પાઠવીને આપ સૌને પ્રણામ કરું છું. આભાર….
તા.ક : બ્લોગના  સૌ વાચકમિત્રોને વિનંતી કે જો આપ ક્યારેક કલોલ પાસેથી પસાર થતા હોવ તો ઘડીક રોકાઈને આ શાળાની મુલાકાત લેવા જેવી છે. જે શાળા સમાજલક્ષી કેળવણીનું આટલું મોટું કામ કરી રહી છે તેમને આપણે જરૂર પ્રોત્સાહન આપવું જોઈએ. આપ શાળાના સંચાલકોને પત્ર-ફોન દ્વારા પણ સંપર્ક કરી શકો છો. આ શાળાની તમામ વિગત આ પ્રમાણે છે :
હોલી ચાઈલ્ડ સ્કૂલ,
પંચવટી, કલોલ, જિ. ગાંધીનગર – 382721.
ફોન : +91 2764 250258
મેનેજિંગ ટ્રસ્ટી : શ્રી હરીશભાઈ બ્રાહ્મભટ્ટ (મોબાઈલ : +91 9426549177)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો