મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

ટાઈમ મલે તો વાચજો જરુરઃ

મોટા કહેવડાવવા માગતા માણસોને એક ટેવ હોય છે. બીજાને એ પોતાથી કેટલા નાના છે એ બતાવ્યા વિના તેમનાથી રહેવાતું નથી. એક અમલદાર સાહેબને કોઈ મળવા આવે તો તેને બેસાડી રાખ્યા વિના તે મળતા નહીં. પોતાની ઓફિસ બહાર તેમને મળવા આવનાર માટે સાંકડો ને ભાંગેલો બાંકડો રાખેલો. તે મુલાકાતી તેના પર બેસે. પટાવાળો ચિઠ્ઠી લઈ જાય અને મુલાકાતીના દરજ્જા પ્રમાણે સાહેબ તેને બેસાડી રાખે.

આ માટે સાહેબ મહેરબાને ત્રણ ધોરણ નક્કી કરેલાં. મહત્વની વ્યક્તિ હોય તો પાંચ-છ મિનિટ. કામ લાગે એવી વ્યક્તિ હોય તો દસ-પંદર મિનિટ. અને અરજદાર ગરજવાન કે નીચી પાયરીની વ્યક્તિ હોય તો કલાક બે-કલાક બેસાડી રાખે ને વળી મળે પણ નહીં. એક દિવસ એક વૃદ્ધ સજ્જન આવ્યા. સાહેબને બાળપણથી ઓળખે. બાજુમાં રહેતા તેથી તેના પર દીકરા જેવું વ્હાલ. પણ સાહેબ તો મોટા માણસ અને આ સજ્જન સાધારણ શિક્ષક. એવાને કાંઈ આવે કે તરત મુલાકાત આપી શકાય ? પછી ભલેને સાહેબને કોઈ અગાઉથી મળવા આવ્યું ન હોય કે ઓફિસમાં કોઈ અગત્યની ચર્ચા ચાલતી ન હોય ! ભલેને કોઈ કામકાજ ન હોય ને સાહેબ બેઠા બેઠા ક્રોસવર્ડ પઝલનાં ખાનાં ભરતા હોય ! મુલાકાતીએ સમજવું જોઈએ કે સાહેબને મળવું સહેલું નથી અને એની મહત્તા વિષે સાહેબ કરતાં પટાવાળા મહાશય વધુ ધ્યાન રાખતા હતા.

પેલા વૃદ્ધ સજ્જન બે-અઢી કલાક પાટલી પર તપ કરતા રહ્યા. પછી સાહેબે બોલાવ્યા. સાહેબની ઓફિસમાં એક જ ખુરશી. એને લાયક હોય તે બેસવા પામે. બીજા ઊભા રહી વાત કરે. પેલા સજ્જને સાહેબને બાળપણના નામથી બોલાવી કહ્યું, ‘જો છગન, તને હું મળવા આવત નહીં પણ મારા દીકરા નૌતમનો કાગળ છે કે તને આ કાગળિયાં આપવાં એટલે આવ્યો છું. તારો નાનપણનો મિત્ર તને ભૂલ્યો નથી. પરદેશી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. લખે છે કે છગન ત્યાં પડ્યો પડ્યો શું કામ સડ્યા કરે છે ? અહીં સારો ચાન્સ છે. અને એની ભલામણથી તારું ભાગ્ય ઊઘડી જાય તેમ છે. એનાં કાગળિયાં આપવા આવ્યો છું.’
સાહેબ ઊભા થઈ ગયા, ‘આવો, આવો કાકા !’ એવા મીઠા ઉદ્દગાર સાંભળ્યા વિના જ વૃદ્ધે કહ્યું : ‘તારી ટેવ હું જાણું છું. જો, સંત સુંદરદાસની સાખી સાંભળી લે !’

નર પે નર આવત નહીં, આવત દિન કે પાસ,
વો દિન ક્યોં ન સમ્હાલિયે, ભાખત સુંદરદાસ.

‘માણસનું મોઢું રૂપાળું માનીને કોઈ તેની પાસે આવતું નથી, પણ એનો દિવસ તપે છે ને એ કાંઈક કરશે એવી આશાથી આવે છે; અને દિવસ તો હમણાં આથમી જશે; માટે સારાં કામ કરી લો.’ આટલું કહી વૃદ્ધ આવ્યા હતા તેવા જતા રહ્યા.

મકરન્દ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો